ટંકારાનાં હમીરપર ખાતે આવેલ અલખધણી આશ્રમ શ્રી રામદેવપીર મંદિર ખાતે આગામી તા.૧૧ માર્ચથી રામદેવ રામાયણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનું રસપાન કરવા ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ અપાયું છે
શ્રી હમીરપર ગામ સમસ્ત દ્વારા તા. ૧૧ માર્ચથી હમીરપર શ્રી અલખધણી આશ્રમ શ્રી રામદેવપીર મંદિર ખાતે શ્રી રામદેવ્ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૧-૩-૨૪ ને સોમવારે બપોરે ૨:૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે. જે શ્રી રામજી મંદિરથી શ્રી રામદેવપીરના મંદિર ખાતે પધારશે. તેમજ કથા વિરામ તા. ૧૭-૩-૨૪ ને રવિવારના રોજ કરાશે. તેમજ કથા દરમિયાન શ્રી ક્રિષ્ના પ્રાગટ્ય, નંદ મહોત્સવ, શ્રી રામદેવ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજના વિવાહ, શ્રી પાટનો મહિમા, ગત ગંગાના ભક્તોની કથા તથા શ્રી રામદેવજી મહારાજની સમાધિ સહિતના પ્રસંગો ઉજવાશે. શ્રી રામદેવ્ રામાયણના વક્તા બાળ વિદુષી રત્નેશ્વરીદેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી રહેશે. તેમજ બહાર ગામથી આવતા મહેમાનો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. દરરોજ રાત્રે ધૂન- ભજનનો કાર્યક્રમ યોજાશે. શ્રી રામદેવ રામાયણ કથાનો લાભ લેવા દરેક ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.