ભારત-પાકિસ્તાન સરહદ નજીકના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામમાંથી પોલીસે પાકિસ્તાની હિન્દુ નાગરિકોની અટકાયત કરી હોવાની વાત સામે આવી હતી. જો કે, પોલીસે બાદમાં વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં ભારતમાં વસી રહેલા પાકિસ્તાનની નાગરિકો સામે કોઈ ફોજદારી કાર્યવાહી થઈ નહોતી એનું પણ સ્પષ્ટ કારણ જાહેર કર્યું હતું. ત્યારે હવે આ ૪૫ જેટલા પાકિસ્તાની હિન્દુઓ બનાસકાંઠાથી મોરબી પહોચ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ પાકિસ્તાની નાગરિકોના ટુરિસ્ટ વીઝા પૂરા થયા બાદ પણ આકોલી ગામે ભાગિયા તરીકે ખેતમજૂરી કરતા હતા. શનિવારે રાતે પોલીસે ત્યાં પહોંચીને તેમની પૂછપરછ હાથ ધરી હતી. મહિલા, પુરુષો અને બાળકો મળીને કુલ ૪૫ પાકિસ્તાની નાગરિકો ટુરિસ્ટ વિસા પર બે મહિના માટે ભારત આવ્યા હતા. અહીં આવ્યા પછી બધા હરિદ્વાર ગયા હતા. ત્યાંથી તેઓ તેમના સગાંવહાલાંને મળવા બનાસકાંઠા પહોંચ્યા હતા. જ્યાંથી હવે તેઓ મોરબી પહોચ્યા છે. અને આ ૪૫ જેટલા પાકિસ્તાની હિન્દુએ શરણાર્થી તરીકે તંત્ર પાસેથી આશરો માંગ્યો છે. જેને લઇ મોરબી જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્ર દોડતું થયું છે. અને હાલમાં તમામ ૪૫ લોકોએ જિલ્લા કલેકટર ઓફિસ નજીક આવેલ વાડીમાં આશરો મેળવ્યો છે.