મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ને ધ્યાને લઇ મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા એક હુકમ દ્વારા કોઇ પણ વ્યકિત કે સંસ્થાને મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય તેવા ચૂંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહી. અથવા તો છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં તેમ જણાવ્યુ છે.
આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પ્રચાર માટે ચોપાનીયા, ભીંતપત્રો, હેન્ડ બીલ, વગેરેનું ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી છાપકામ કરાવી પ્રસિધ્ધ કરવામાં આવે છે. અને લોકોમાં વહેંચવામાં આવે છે. આવા દસ્તાવેજોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને મતદારોને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર ખંડન જેવી કોઇ ગેરકાનુની વાંધાજનક બાબત કે લખાણનો સમાવેશ થતો હોય તો સબંધિત વ્યકિત સામે આવશ્યક શિક્ષાત્મક કે નિયંત્રક પગલા લઇ શકાય તે માટે ચૂંટણીને લગતા ચોપાનીયા-ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન પરના નિયંત્રણની ચૂસ્ત અમલવારી કરવી જરૂરી છે.
જે અંતર્ગત કોઇપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહી કે છપાવવાની વ્યવસ્થા કરી શકશે નહી સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી બે વ્યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય અને લખાણ છપાયા પછી મુદ્રકે ત્રણ દિવસમાં લખાણની એક નકલ સાથે એકરારપત્રની એક નકલ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને તથા સબંધિત ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી હોય. છાપેલા ચૂંટણી અંગેના કોઇ ચોપાનીયા કે ભીંતપત્રો કે આવી અન્ય સામગ્રી પર મુદ્રક પંક્તિમાં મુદ્રક અને પ્રકાશકના પુરા નામ, સરનામા અને ફોન, મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તથા મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જોડાણ-ક અને જોડાણ-ખ ના નિયત નમુનામાં છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી તથા સબંધિત ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે.