પ્રથમ ધમકી બાદ મધરાત્રીએ બનાવ, આગમાં બાઇક-ફ્રિજ-અનાજ સહિતનો સામાન બળ્યો, આરોપી સામે ફરિયાદ.
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધને લઈને ચાલતા વિવાદમાં એક શખ્સે બદલો લેતા યુવતીના પિતરાઈ ભાઈના ઘરમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં મોટરસાઇકલ તથા રસોડાની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ. આ પહેલા પણ ઉપરોક્ત માથાભારે શખ્સે આગ લગાવ્યાનો ઇતિહાસ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વણકરવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી નિલેશભાઈ પિતામ્બરભાઈ વાઢેર ઉવ.૨૩ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિજયભાઈ મોહનભાઇ ચાવડા રહે. વણકર વાસ પંચાસીયા ગામ તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મુજબ તા. ૦૫/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના આશરે ૮ વાગ્યે ફરિયાદી પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે તેમની જ્ઞાતિના જ માથાભારે શખ્સ આરોપી વિજયભાઈ ચાવડાએ “ચોવીસ કલાકમાં ધા આવશે” તેવી ધમકી આપી હતી. બાદમાં રાત્રિના આશરે પોણા બાર વાગ્યે ઘરમાંથી અવાજ આવતા ફરિયાદી બહાર આવ્યા ત્યારે રસોડામાંથી ભારે ધુમાડો નીકળતો હોવાનું જણાયું હતું. આ સમયે રસોડામાં રાખેલ હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજી. નં. જીજે-૩૬-ક્યુ-૫૮૪૯ તેમજ ફ્રિજ, ચોખા, ઘઉં સહિતની ઘરવખરી આગમાં બળીને નાશ પામી હતી. મોટરસાઇકલની પેટ્રોલ નળી કાપેલી હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારજનો અને આસપાસના લોકોની મદદથી પાણી છાંટી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી વિજયભાઈએ અગાઉ ફરિયાદીના કાકાની દીકરી સાથે પ્રેમસબંધ હતો અને તેની સગાઈ તૂટી જવાના કારણે અદાવત રાખતો હતો. અગાઉ પણ તારીખ ૨૦/૦૧/૨૦૨૬ ના રોજ ફરિયાદીના કાકાના ઘરના દરવાજા અને તોરણ સળગાવ્યાની ઘટના બની હોવાનું જણાવાયું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









