પાપ કરેલું હોય તે છાપરે ચડી પોકારે એટલે કે ગમેં તેટલા વરસ પહેલાં ખોટું કર્યું હોય તો ગમે ત્યારે જાહેર થાય એવું જ હળવદમાં બન્યું છે જેમાં વર્ષ ૨૦૧૫ માં માર્કેટ ફી ના નામે નાણા ઉઘરાવી ખીસામાં નાખી બારોબાર ભાગ બટાઈ કરી લેતા સાત પૂર્વ પદાધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
જે બનાવની વિગત મુજબ આઠ વર્ષ પહેલાં વર્ષ ૨૦૧૫ માં હળવદ માર્કેટિંગ યાર્ડના તે સમયના સેક્રેટરી, વાઇસ સેક્રેટરી અને કલાર્ક સહિતના પદાધિકારીઓ દ્વારા લાખો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં તારીખ ૧૩/૦૨/૨૦૧૫ થી તારીખ ૨૬/૦૩/૨૦૧૫ સુધી આચરેલા આ કૌભાંડમાં વ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવી હતી જેમાં માર્કેટ ફી (શેષ) ના નામે પૈસા લેવામાં આવતા હતા અને એ પૈસા ની પહોંચ પણ અપાતી હતી જે પહોંચ નકલી આપવામાં આવતી હતી આ પ્રકારે આરોપીઓએ કુલ રૂપિયા ૨૩,૧૯,૯૫૪ જેટલી રકમ બારોબાર ચાઉ કરી ગયા હતા જેથી લાંચ રૂશ્વત બ્યુરો(એસીબી) દ્વારા કરાયેલ આ કાર્યવાહી માં આઠ આરોપીઓ સેક્રેટરી વિપુલ અરવિંદભાઈ એરવાડિયા,વાઇસ સેક્રેટરી અશોકભાઇ જયંતીભાઇ માતરીયા તેમજ પાંચ કલાર્ક ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા,પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી,નિલેષભાઇ વિનોદભાઇ દવે ,હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા,અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની સુરેન્દ્રનગર એસીબી પીઆઇ ડી.બી. રાણા,મદદનીશ નિયામક વી કે.પંડ્યા સહિતના અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી આઠ વર્ષ પેહલા આચરેલા લાખો રૂપિયાના કૌભાંડ ને ખુલ્લું પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.


                                    






