લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી 25 પર ચૂંટણી યોજવામાં આવી હતી. 1 બેઠક સુરત બિનહરીફ જાહેર થઈ હતી. ગુજરાતે આ વખતે પણ ભાજપના સમર્થનમાં જ જંગી મતદાન કરીને 26માંથી 25 બેઠકો જીતાડી છે. જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રાજકોટ લોકસભા બેઠક રહી હતી. ભાજપ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. છતાં પરષોત્તમ રૂપાલાની લીડ ઘટવાને લીડ વધી છે. અને રાજકોટ લોકસભા બેઠક પરથી બે વાર સાંસદ રહી ચૂકેલા મોહન કુંડારિયા કરતાં પણ વધુ લીડ પરષોત્તમ રૂપાલાએ મેળવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 4 લાખ કરતાં વધુ મતોથી વિજયી બન્યા છે. પરષોત્તમ રૂપાલાને કુલ 8,57,984 મત મળ્યા હતા. જેની સામે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા હતાં. જે પરિમાણ આવતાની સાથે જ પરસોતમ રૂપાલા વિરૂદ્ધ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન મતદાનમાં પરિણમ્યું છે અને પરષોત્તમ રૂપાલાને તેની નહિવત અસર દેખાય છે. રાજકોટ ખાતેથી ક્ષત્રિય અસ્મિતા આંદોલનની શરૂઆત થઈ હતી. ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલન બાદ સત્તાધારી પાર્ટીને રાજ્યમાં મોટી અસર થશે તેવી માહોલ સર્જાયો હતો. પરંતુ અંતે તેવું કશું બન્યું જ નહીં. આ આંદોલન જે બેઠક પરથી શરૂ થયું હતું તે રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા વિજયી બન્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ વિશે એક નિવેદન આપ્યું હતું, જેને લઈને ક્ષત્રિય સમાજે વિરોધ શરૂ કર્યો હતો. ત્યાર બાદ સમાજની સંસ્થાઓની બનેલી સંકલન સમિતિએ તેને આગળ ચલાવ્યું હતું. ત્યાર સંકલન સમિતિએ પુરુષોત્તમ રૂપાલા ને હટાવવામાં આવે તેવી માંગ કરી હતી અને હટાવવામાં નહીં આવે તો ભાજપનો વિરોધ કરાશે તેવી ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ ભાજપે પરષોત્તમ રૂપાલાને નહિ હટાવાતા સંકલન સમિતિએ ભાજપનો રાજ્યમાં વિરોધ કરી મતદાન ભાજપ વિરુદ્ધમાં કરવા આહવાન કર્યું હતું પરંતુ તેની નહિવત અસર દેખાઈ છે. અને પછીથી આંદોલન આગળ વધતાં નબળું પડતું ગયું અને રાજકોટ સીટ પર પણ ખાસ અસર રહી નથી. વધુમાં અંદરો અંદરના વિખવાદ અને અન્ય કારણોસર પણ તેને ફટકો પડ્યો હતો. આખરે એ બેઠક પણ ભાજપે જીતી લીધી, જ્યાંથી આંદોલનનો ઉદય થયો હતો. અને કોંગ્રેસનાં લોકસભામાં ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પર હાર સ્વીકારી લીધી છે. અને કહ્યું છે કે આ લડાઈ વ્યક્તિગત ન હતી, પણ આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે અને બંધારણ બચાવવા માટેની લડાઇ હતી. તેમણે ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓ મતદારોને ડરાવવા-ધમકાવવામાં સફળ રહ્યા છે. જોકે, હકીકત એ જ છે કે રાજકોટની લોકસભા બેઠક પર પરેશ ધાનાણીની હાર થઈ છે.