મોરબીના સરસ્વતી શિશુમંદિર-શકત શનાળા ખાતે સંસ્કૃતિ બોધ પરિયોજના અંતર્ગત સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધેલ વાલીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ જેટલા વાલીઓ જોડાયા હતા. કાર્યક્રમને અંતર્ગત વિદ્યાલયના નિયામક સુનિલભાઈ પરમારે પ્રસ્તાવના રજૂ કરી. સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાના ઉદેશ્ય વિષે વાત કરતાં જણાવ્યુ કે આપણાં દેશની પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જીવનમુલ્ય, મહાપુરુષોના અનુભવ, જ્ઞાન-વિજ્ઞાનના રાષ્ટ્રીય વારસાને શિક્ષણના માધ્યમથી ભાવિ પેઢીને સોંપવાના ઉદેશ્યથી આ પ્રકારની પરીક્ષાઓ લેવાય છે. પુસ્તિકામાં રહેલ જ્ઞાનને હાલની પરિસ્થિતિમાં અને સામાની જીવન વ્યવહારમાં કેમ વણી લેવું તેના વિષે પણ તેમણે જણાવ્યું. કોરોના કાળની આ વિકટ પરિસ્થિતિમાં આપણે આપની સંસ્કૃતિને ટકાવીને એકબીજાને કઈ રીતે મદદરૂપ બની શકાય એના વિશે પણ વાત કરી હતી.
ત્યારબાદ પ્રતિભાગી વાલીઓએ પરીક્ષા પ્રત્યે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા. જેમાં તેઓએ પરિક્ષાની તૈયારી દરમ્યાન આપણાં સાંસ્કૃતિક વરસ ગૌરવપૂર્ણ ઇતિહાસ અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની માહિતી પ્રાપ્ત કરી તેના વિશે વાત કરી. વધુમાં તેમણે પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું કે અમે પરીક્ષા આપીએ ત્યારે અમને અમારું વિદ્યાર્થી જીવન પાછું મળ્યું હોય એવું લાગે છે. માતા બન્યા પછી પણ અમને પરીક્ષા આપવાની તમોએ જે તક આપી છે તેના માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ. ત્યારબાદ વાલીઓને પુસ્તક અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. અંતમાં શાંતિમંત્ર બોલીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.