મોરબીના મચ્છુ નદી પરના ઝૂલતા પુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 30 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી આ ઘટનામાં 135 લોકોના કરુણ મોત થયા હતા. ત્યારે મોરબી ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા પરહિત કર્મ ગ્રુપ દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીની ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા, તે દિવંગત આત્માઓની શાંતિ અને સદગતિ માટે ‘પરહિત કર્મ ગ્રુપ’ના સભ્યો દ્વારા આજે એક અત્યંત ભાવુક અને કરુણાભર્યો કાર્યક્રમ યોજાયો હતું. જેમાં તેઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૩૬ નાળિયેરનું કીડીયારું પૂરીને પરંપરાગત ધાર્મિક વિધિ અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, દિવંગત આત્માઓને યાદ કરીને, 60-70 જરિયાતમંદ બાળકોને અલગ-અલગ વિસ્તારોમાં કાળાતલના કચરિયાનું ભોજન કરાવીને પુણ્યનું કાર્ય કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તલનું દાન અને જીવદયાનું આ કાર્ય દિવંગતોની આત્માને શાંતિ અર્પે છે, તેવી શ્રદ્ધા સાથે આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પરહિત કર્મ ગ્રુપનો આ પ્રયાસ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતો સીમિત ન રહેતા, તે સેવા, દયા અને કરુણાનો સંદેશ આપે છે. આ રીતે નિઃસ્વાર્થ ભાવે કરાયેલા સત્કાર્યો ખરેખર અન્યો માટે પ્રેરણારૂપ છે









