રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા વર્ષોથી સ્ટ્રીટ લાઈટ ખામી યુકત હોવાના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે લોકોની વેદના સાંભળી પાટીદાર અગ્રણી મહેશ રાજકોટીયાએ તંત્રને રજૂઆતો કરી ટંકારા હાઈવે પર ઓવરબ્રિજ પર લાઈટો ચાલુ કરાવી લાંબા સમયનો અંધકાર ઉલેચ્યો હતો.
રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા ખાતે આવેલા ઓવરબ્રિજ પર સાત વર્ષથી ફીટ કરાયેલી સ્ટ્રીટ લાઈટો ખામીયુક્ત હોવાને કારણે અંધકાર છવાયેલો હતો. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી સામેના સ્ટ્રીટ લાઈટના થાંભલા પણ વર્ષોથી નિષ્ક્રિય હતા. આ મુદ્દે નગરજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં નિરાશા વ્યાપી હતી. ઘણા નાગરિકોએ રાજકીય પક્ષોના આગેવાનોને “કાગળના વાઘ” ગણી રજૂઆત કરવાનું ટાળી દીધું હતું. આવા સંજોગોમાં, પાટીદાર સમાજના અગ્રણી અને સમાજસેવી મહેશ રાજકોટીયાએ લોકોની વેદનાને સમજી, આ મુદ્દે અંગત રસ દાખવ્યો. તેમણે અથાગ પ્રયાસો અને અડગ નિશ્ચય સાથે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથે સતત લાઈઝનિંગ કરી, ઓવરબ્રિજ તેમજ પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી સામેની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવી છે. માત્ર એક અઠવાડિયાની અંદર આ અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કરી, લાંબા સમયથી છવાયેલા અંધકારને દૂર કરવામાં તેઓ સફળ રહ્યા છે. આ પ્રયાસોને કારણે ટંકારા નગરના રહીશોમાં ખુશીનો માહોલ છવાયો છે. મહેશ રાજકોટીયાની આ લોકલક્ષી કામગીરીને સ્થાનિક નાગરિકોએ બિરદાવી છે અને તેમના અથાગ પ્રયત્નોની સરાહના કરી છે