મોરબી મહાનગરપાલિકા ટ્રાફિક ભીડ ઘટાડવા અને પાર્કિંગની સુવિધા માટે શહેરના મુખ્ય માર્ગો નજીક ‘પે એન્ડ પાર્કિંગ’ પ્રણાલી શરૂ કરશે. ટેન્ડર પ્રક્રિયા દ્વારા યોગ્ય સ્થળોએ પાર્કિંગ બનાવાશે, તેમજ માહિતી સૂચક બોર્ડ લગાવી નાગરિકોમાં ટ્રાફિક જાગૃતિ લાવવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શહેરની હદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે, જેને કાબૂમાં લેવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જાહેર માર્ગો પર અનિયમિત રીતે પાર્ક કરાયેલા વાહનોને કારણે થતી ભીડ નિવારવા માટે મહાનગરપાલિકા શહેરના ચોક્કસ વિસ્તારોમાં ‘પે એન્ડ પાર્કિંગ’ વ્યવસ્થા શરૂ કરશે.
આ માટે મહાનગરપાલિકા હસ્તક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે, જેથી નાગરિકોને તેમના વાહનો અનુકૂળ અને નિર્ધારિત જગ્યા પર પાર્ક કરવાની પૂરતી સુવિધા મળી રહે. આ પ્રણાલીના અમલથી જાહેર રસ્તાઓ પર વાહનોની ભીડમાં ઘટાડો થશે અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે.
શહેરમાં જરૂરી સ્થળોએ માહિતી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે, જે સ્થાનિક નાગરિકોને માર્ગદર્શન આપશે અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવશે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં પણ પાર્કિંગની અયોગ્ય વ્યવસ્થાને કારણે સર્જાતી મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનો જાહેર માર્ગો પર નહીં પરંતુ નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરે, જેથી શહેરમાં સરળ અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા જાળવી શકાય