અકસ્માતમાં ટ્રક્નું વ્હીલ પગ ઉપર ચડી જતા સારવારમાં રાહદારીનો પગ કાપવો પડ્યો
મોરબીના ત્રાજપર પુલના સર્વિસ રોડ ઉપર મજૂરી કામ કરી પરત પગપાળા પોતાના ઘરે જતા આધેડને પિરપટ ઝડપે ટ્રક હંકારીને આવતા ટ્રક ચાલકે રાહદારીને હડફેટે લઇ ટ્રક્નું આગળનું વ્હીલ રાહદારીના પગ ઉપર ચડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માત થતા જ ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટના સ્થળે મૂકીને પલાયન થયો હતો. ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત આધેડને સારવારમાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા જ્યાં સારવારમાં બંને પગે ગંભીર ઈજાઓમાં એક પગ ઘૂંટણથી નીચે સુધી કાપવો પડ્યો હતો. હાલ સમગ્ર અકસ્માતના બનાવની આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રહેતા અબ્બાસભાઇ રસુલભાઇ કટીયા ઉવ.૪૨ ગત તા.૧૮ ના રોજ સાંજે સાત વાગ્યાના સુમારે કડીયા કામની મજૂરી કરી રફાળેશ્વર ગામથી પરત મોરબીના ત્રાજપર પુલના સર્વિસ રોડ ખાતે રિક્ષામાં આવ્યા હતા ત્યારે પગપાળા ચાલીને ઘરે જતા હોય ત્યારે પાછળથી પુરપાટ આવતા ટ્રક કન્ટેનર રજી.જીજે-36-વી-4945ના ચાલકે અબ્બાસભાઈને પાછળથી હડફેટે લઇ ટ્રક્નું આગળનું વ્હીલ અબ્બાસભાઈના બંને પગ ઉપર ચડાવી અકસ્માત કરી ટ્રક ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો.
બીજીબાજુ અકસ્માતમાં ઘવાયેલ અબ્બાસભાઈને પ્રથમ ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઇ જવાયા બાદ વધુ સારવારમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરેલ જ્યાં બંને પગમાં ગંભીર ઇજાઓને કારણે જમણા પગમાં વધારે ઇજાને લીધે કામનો પગ ઘૂંટણથી નીચે સુધી ઓપરેશન કરી કાપી નાખેલ હોય ત્યારે સમગ્ર બનાવ મામલે ઘાયલ અબ્બાસભાઈની ફરિયાદના આધારે ટ્રક કન્ટેનર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.