ટંકારામાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ટંકારા-લતીપર રોડ પર પુરપાટ ઝડપે જતી ખાનગી બસે રાહદારી વૃદ્ધાને હડફેટે લીધો હતો. અને વૃદ્ધાના માથા પર ટાયરનો જોટો ફેરવી દેતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારામાં રહેતા શામજીભાઇ ડાયાભાઇ પંચાસરાના માતા ગત તા.૦૭/૧૨/૨૦૨૩ ના સવારના સમયે ટંકારા- લતીપર રોડ પર આવેલ દયાનંદ હોસ્પીટલ સામે રોડની બાજુમાં ચાલીને જતા હતા. ત્યારે GJ05BT-9554 નંબરની ખાનગી બસનાં ચાલકે પોતાની બસ પુરઝડપે ચલાવી રોડની બાજુમા ચાલીને જતા શામજીભાઈમાં માતાને હડફેટે લઇ પછાડી દઇ બસના પાછળનો જોટા શરીર પર ફેરવી દેતા શામજીભાઈના માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. જે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.