ટ્રકના તાણીયા તૂટતા મગફળીના કોથળા રોડ ઉપર ઢળી પડ્યા: મોટી દુર્ઘટના સહેજમા અટકી
ટંકારા તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી પાસે પોલીસ સ્ટેશન સામેના માર્ગ પર નિયમોને નેવે મૂકીને ઓવરલોડેડ ટ્રક પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રકની તાણીયા તૂટી જતાં તીવ્ર તડાકા-ભડાકાના અવાજ સાથે ટ્રક નમી ગયો અને મગફળીથી ભરેલા આકાશને આંબે એવા કોથળા રસ્તા પર ઢળી પડ્યા.
આ ઘટનાથી રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ અને કોઈ જાનહાનિ થઈ નહીં.આ ઘટના પરથી મોટો સવાલ ઊભો થયો છે કે દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણ લેત? પોલીસ અને આરટીઓ વિભાગ પર આરોપો લાગી રહ્યા છે કે ઓવરલોડિંગ અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી.આ ઘટના પહેલાં પણ તાજેતરમાં ટંકારા વિસ્તારમાં રેતીથી ભરેલા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કમકમાટી છૂટી પડે એવા દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના મુખ્ય કચેરીઓ સામે આવી ઘટનાઓ બનવી ચિંતાજનક છે. સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર પાસે સુઓ મોટો અધિકારોનો ઉપયોગ કરીને ડ્રાઇવ ચલાવી કાયદાની કડક અમલવારી કરવાની માંગ ઊઠી છે.જો હપ્તા કે અન્ય કારણોસર આવા નિયમભંગને આંખ આડા કાન કરવામાં આવે તો જનતાના જીવ સાથે ખેલ ચાલુ રહેશે, એમ સ્થાનિકોએ જણાવ્યું છે. અમારા વાચકે ઘટના અંગે તપાસ હાથ ધરી તો ટ્રક ડ્રાઇવર કોઈ પણ આજુ બાજુ માં સુચકો કે બેરીકેટ કર્યા વિના અહિથી ગુમસુધા મળ્યો હતો જેથી વધુ માહિતી મળી નથી પરતું કાઈ થયા પછી કહેવા કરતા અત્યારે કાઈક પરિણામ લક્ષી કાર્ય કરે એવી માંગ પ્રબળ બની છે.









