હોર્ડીંગ ઉતારવાની કામગીરી, નદી-નાલાની સફાઇ અને તરવૈયાઓને સ્ટેન્ડ બાય રખાયા
ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં સંભવીત વાવાઝોડાની અસરના પગલા રાહત અને બચાવની કામગીરીના ભાગરૂપે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું વધુ ઉગ્ર બની ને ગુજરાત પર ત્રાટકવા પુરો ભય હોવાથી જાનમાલને થતુ નુકશાન રોકવા તૈયારી કરવામાં આવી છે. જેમાં મોરબી, માળીયા અને હળવદ નગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને જોખમી બોર્ડ નીચે ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી છે. જોરદાર પવન અને વાવાઝોડાના કારણે વૃક્ષોની જોખમી ડાળીઓ વીજ લાઇન પર તૂટી પડે અને શોર્ટ સર્કિટ તથા કરંટ લાગવાના બનાવો ન બને તે માટે વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી પણ કરવામાં આવી છે.
વાવાઝોડાને પગલે મોરબી સિવાય માળીયા અને હળવદ નગરપાલિકા વિસ્તારમાં પણ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. માળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને હળવદ નગરપાલિકા ચીફ ઓફિસરનો વધારાનો હવાલો સંભાળતા હિરેનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે અગમચેતીના ભાગરૂપે માળીયા અને હળવદ નગરપાલિકા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે.
માળીયા અને હળવદમાં ભારે અને જોખમી હોર્ડીંગ ઉતારવાની પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને માળીયામાં નક્કી કરેલ શેલ્ટર હોમ તરીકે માળીયામાં જોષી પ્રાઇવેટ હાઇસ્કુલ અને કન્યા પ્રાથમીક શાળામાં સ્થળાંતરીત કરવાની કામગીરી કરવામાં આવી હતી. હળવદની વાત કરીએ તો હળવદ ખાતે પણ ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થળાંતર કરીને હળવદની મોર્ડન હાઇસ્કુલ અને રાજોદરજી હાઇસ્કુલમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત કોવીડ હોસ્પિટલમાં સતત અને અવીરત પાવર સપ્લાય મળી રહે તે માટે જનરેટરની પણ વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરમાં આવેલા નદી-નાળા, બોગદા સહિત નાલાની સફાઇ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદની પરિસ્થિતિ ઉભી થાય અને તરવૈયાઓની જરૂર પડે તો તરવૈયાઓનો સંપર્ક કરીને તેઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.