આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે. ત્યારે મોરબીમાં વિવિધ સ્થળોએ મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) મુકવામાં આવશે. મતદારોને મતદાન કેવી રીતે કરવું અને તેમણે આપેલો મત તે જ વ્યક્તિને મળ્યો છે કે કેમ તે જોવા માટે ઇવીએમ, વીવીપેટના નિર્દશન માટેની તાલીમ આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નજીક આવી રહી હોય જેને લઈ લોકોમાં ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે લોકો માહિતગાર થાય તથા જાગૃતિ વધે તે માટે ૬૫- મોરબી વિધાનસભા મતદારવિભાગ, ૬૬-ટંકારા વિધાનસભા મતદારવિભાગ તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતદારવિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વિગેરે આવરી લેવામાં આવે તે રીતે આગામી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) વિવિધ સ્થળોએ ફેરવવામાં આવશે અને લોકોને માહિતગાર કરવામાં આવશે. તેમજ મોરબી જિલ્લાની હેડકવાટર્ર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે. જયા લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC)ની વધુમાં વધુ લોકો મુલાકાત લે અને લોકો ઈવીએમ-વીવીપેટ નું જ્ઞાન અર્જિત કરે તેવી મોરબી જિલ્લાના તમામ નાગરિકોને સરકાર દ્વારા અપીલ કરાઈ છે.