ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકેની ઓળખ ધરાવે છે. જેને લઈ મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની “દાન ગંગાવતરણ” પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા છેલ્લા ૭ વર્ષોથી વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો મોરબીના અલગ અલગ પોઈન્ટ જેવા કે નવલખી ચોકડી, ઉમિયા સર્કલ, અવની ચોકડી, ગેંડા સર્કલ, એસપી રોડ, ગાંધી ચોક, વાવડી રોડ, રાજપર ચોકડી તેમજ સામે કાઠે મહેન્દ્રનગર ચોકડી ,ઉમા ટાઉનશીપ છાત્રાલય રોડ વગેરે જેવા વિસ્તારોમાં ટીમ વર્ક દ્વારા માત્ર બે કલાક સવારે ૮ થી ૧૦ સેવાયજ્ઞ કરીને નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે દાન એકઠું કરે છે. આ વર્ષે પણ મોરબીની જાહેર જનતાના સાથ સહકારથી 1,00,000 થી વધુ જેટલી માતબર રકમ એકઠી કરી હતી. આ રકમનો ઉપયોગ કોલેજના વિધાર્થીઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન નિ:સહાય અને અનાથ બાળકો તેમજ ગંગા સ્વરૂપ બહેનોના લાભાર્થે તેમજ જરૂરિયાતમંદોની સેવાર્થે કરવામાં આવશે. ઉપરોક્ત પ્રોજેકટમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા.