ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં બે શકમંદોને પોલીસે પકડયા હતા જેની તપાસ અર્થે કસ્ટરડીમાં રાખ્યા હતા આ દરમિયાન બન્નેએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ કેસમાં સી – સમરી મંજૂર થતા પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓને નિર્દોષ છુડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ ચીખલી પોલીસ સ્ટેશનમાં રવિ સુરેશભાઇ જાદવ અને સુનિલ ઉર્ફે તાલે સુરેશભાઇ પવારને ચીખલી પોલીસે ચોરીના ગુનામાં પકડીને શકદાર તરીકે ચીખલી પોલીસ મથકમાં રાખેલા હતા તે દરમ્યાન બંને શકદારો રવિ સુરેશભાઇ જાદવ અને સુનિલ ઉર્ફે તાલે સુરેશભાઈ પવારનાઓએ તા.૨૧-૭-૨૦૨૧ ના રોજ સવારે આશરે પાંચ વાગ્યે ચીખલી સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી, જે કેસમાં પોલીસે પ્રથમ અકસ્માત મોત દાખલ કરેલ તેમજ સેસન્સ કોર્ટે જ્યુડી.ઇન્કવાયરીનો હુકમ કર્યો હતો બીજી બાજુ આ ઘટનાને લઈને દરમ્યાન આદિવાસી સમાજ દ્વારા રેલી અને ધરણા તેમજ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતક શકદાર રવિ સુરેશભાઇ જાદવના સગા ભાઇ નિતેશભાઈ સુરેશભાઈ જાદવે પીઆઇ અજીતસિંહ વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રામજી યાદવ, રવિન્દ્ર રાઠોડ તેમજ પી.એસ.આઇ. કોંકણી સહીતનાઓ વિરૂધ્ધ બંને શકદારોનું પોલીસે પોલીસ સ્ટેશનમાં અપહરણ કરી ખૂન કરેલ છે તેવા આક્ષેપો સાથે ખૂન, અપહરણ અને ખંડણી તેમજ ગેરકાયદેસર અટકાયત અને એટ્રોસીટી એક્ટ મુજબના ગુનાની લેખિત ફરિયાદ આપેલી હતી અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી હતી.
ત્યારબાદ પોલીસે તમામ લાગતા વળગતા પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરેલ અને કોર્ટે તમામ આરોપીઓને જ્યુડી.કસ્ટડીમાં મૂકી દીધેલ હતા. ત્યારબાદ તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક એસ.ટી. , એસ.સી. સેલના આર.ડી. ફળદુએ તપાસ પૂર્ણ કરી બે આરોપીઓ ચીખલીના પી.આઇ. અજીતસિંહ વાળા અને પી.એસ.આઇ. ગૌરવકુમાર પટેલ વિરૂધ્ધ ચીખલી પો.સ્ટે.માં ચાર્જશીટ દાખલ કર્યું હતું અને આ બંને આરોપીઓ જામીન ઉપર મુક્ત થયેલા અને તપાસ કરનાર અધિકારીએ અન્ય આરોપી, શક્તિસિંહ સુખદેવસિંહ ઝાલા, રામજી ગયાપ્રસાદ યાદવ, પી.એસ.આઇ. મહાદુભાઇ ભગવાનભાઇ કોંકણી, રવિન્દ્ર દિલીપભાઇ રાઠોડ બાબતે સી – સમરી ફાઇનલ રીપોર્ટ રજૂ કરેલ હતો , જેમાં પોલિસ તરફે નવસારીના યુવા એડવોકેટ વિજય એ. નાઇક રોકાયેલા હતા અને કોર્ટમાં તેઓએ ધારદાર દલીલ કરી જણાવેલ હતું કે , તપાસ કરનાર અધિકારીએ તટસ્થ તપાસ કરીને સી સમરી રીપોર્ટ કોર્ટમાં રજૂ કરેલ છે .
સમગ્ર તપાસના કાગળો જોતા પોલીસે ગુનામાં કોઇ ભાગ ભજવેલ હોવાનું પ્રસ્થાપિત થતું નથી તેમજ ફરિયાદી તથા સાહેદોને વાતો વાતોથી ફરિયાદમાં જણાવેલ હકીકત મળેલ હોવાનું અને હકીકતની ભૂલને લઇને અરજીમાં રજૂઆત કરેલાનું તપાસ દરમ્યાન જણાય આવે છે તેમજ પોલીસ કર્મચારીઓના મોબાઇલની કોલ ડીટેલ જોતા તેઓની પોલીસ સ્ટેશનમાં બનાવ વખતે કોઇ હાજરી નથી તેમજ વિડીયો રેકોર્ડીંગ અને સી.સીટ.ટીવી ફૂટેજ જોવામાં આવે તો પોલીસ કર્મચારીઓને ખોટી રીતે સંડોવી દીધેલાનું જણાય આવે છે , તેમજ ડોક્ટરોના નિવેદનો અને પી.એમ. નોટ , એફ.એસ.એલ. રીપોર્ટ જોવામાં આવે તો પણ બંને શકદારોનું ખૂન કરવામાં આવેલ હોય તેવી કોઈ હકીકત જણાય આવતી નથી , પરંતુ બંને શકદારોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરેલાનું જણાય આવે છે . ’ ’ વિગેરે વિગતવારની દલીલો કરેલી હતી . ત્યારબાદ નવસારીના બીજા એડી.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ સારંગા વ્યાસે એડવોકેટ વિજય એ. નાઇકની દલીલને માન્ય રાખી તેમજ તપાસના કાગળોને ધ્યાને લઇ સી – સમરી મંજૂર કરી પોલીસ કર્મચારીઓને મુક્ત કરવાનો હુકમ કરેલ અને પોલીસ કર્મચારીઓ મુક્ત થતા પોલીસ બેડામાં ખૂશીનો માહોલ સર્જાયો હતો.