ગઈકાલે મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક કાળી સ્કોર્પિયો કાર બેફામ રીતે ચલાવી ત્રણ લારી અને અને બાઈક ને હડફેટે લેનાર કાર ચાલકને પોલીસે ઝડપી સરઘસ કાઢયું હતું તેમજ અકસ્માતના બનાવ સમયે આરોપી નશામાં હોવાની પણ કબૂલાત આપી છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગઈકાલે ઉમા ટાઉનશીપ પાસે રાત્રે આઠ વાગ્યે GJ 11 BH 5 નંબરની કાળી સ્કોર્પિયો કારના ચાલકે પુરઝડપે કાર ચલાવતાં બેકાબુ સ્થિતિમાં બે મોપેડ અને ત્રણ લારી-કેબીનને ટક્કર મારી હતી.આ અકસ્માતથી આજુબાજુના લોકોમાં દહેશત છવાઈ ગઈ હતી, ત્યારે સમયસૂચકતાથી લોકો દૂર ખસી જતા જાનહાનિ સ્હેજમાં ટળી હતી.અકસ્માત બાદ કાર ચાલક આરોપી મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવલ સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.
ત્યારે આજરોજ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્ટ્રકશન કરાવાયું, અને પોલીસ દ્વારા આરોપીને જાહેરમાં શર્મસાર કરવા ‘વરઘોડારૂપી’ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. હાલ પોલીસની ત્વરિત અને પ્રેરણાદાયક કાર્યવાહીને ભોગ બનનાર અને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.