મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ પર નિયુક્ત અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ છેલ્લા ૨૧૯ દિવસથી કોઈપણ લેખિત જાણ કર્યા વગર મનસ્વી રીતે ગેરહાજર રહેતા, પોલીસ ઇન્સ્પેકટરની ફરિયાદના આધારે ગુજરાત પોલીસ એક્ટ કલમ ૧૪૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.કે. ચારેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ, કે જેની બદલી એસ.ઓ.જી. શાખા મોરબીમાંથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, તેને વિવિધ ફરજો સોંપવામાં આવી હતી. આ પોલીસ કોન્સ્ટેબલને આમરણ આઉટ પોસ્ટ ખાતે તેમજ ઓન પેમેન્ટ બેંક બંદોબસ્ત જેવી ફરજ ફાળવવામાં આવી હતી. ફરજ ફાળવ્યા બાદ તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજથી પોલીસ કોન્સ્ટેબલ કોઈપણ કારણ જણાવ્યા વગર મનસ્વી રીતે ફરજ પર હાજર ન થતા તેને ફરજ પર હાજર થવા માટે પોલીસ સ્ટેશન દ્વારા તા.૨૮/૦૭/૨૦૨૫, તા.૧૨/૦૯/૨૦૨૫ અને તા.૦૬/૧૨/૨૦૨૫ એમ ત્રણ વખત લેખિત નોટીસ પાઠવવામાં આવી હતી તેમજ મૌખિક રીતે પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતા કોન્સ્ટેબલ કુલ ૨૧૯ દિવસથી ફરજ પરથી ગેરહાજર રહ્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ મામલે તેની વિરુદ્ધ જીપી એક્ટની કલમ ૧૪૫ મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









