માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે પિતાની હત્યાના ગંભીર બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી પુત્રને ઝડપી પાડ્યો છે. કામધંધા બાબતે પિતાએ આપેલ ઠપકા બાદ થયેલી બોલાચાલીમાં કપાતર પુત્રે કુહાડી વડે હુમલો કરી પિતાનું મોત નિપજાવ્યું હતું. બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાભેલા ગામે તા.૦૭/૦૪ ની રાત્રે બનેલા હત્યાના બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જે ઘટનાની મળતી વિગતો મુજબ, ૮૫ વર્ષીય જીવણભાઈ વાઘાભાઈ સોમાણીએ પોતાના પુત્ર પ્રવિણ ઉર્ફે પવાને કામધંધા અંગે ઠપકો આપતા, આરોપીએ5 ખાર રાખી કુહાડી વડે પિતાના પગમાં કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
માળીયા(મી) પોલીસ મથકના પીઆઇના માર્ગદર્શન હેઠળ ટીમે સઘન તપાસ હાથ ધરી અને આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પવો સોમાણી ઉવ.૩૬ને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. હાલ માળીયા(મી) પોલીસે આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









