મહિલા આરોપી તથા થર્ડ પાર્ટી ઓડિટ કરનાર બે ઓડિટરની અટકની તજવીજ હાથ ધરી છે.
મોરબીમાં આવેલ તનિષ્ક શોરૂમમાં રૂપિયા ૨.૫૦ કરોડથી વધુના દાગીના બારોબર વેચી મારવાના ચકચારી ઉચાપત પ્રકરણમાં મહિલા સહીત પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે પકડાયેલ ચારેય આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેય આરોપીઓના સાત દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. જયારે આ ઉચાપાતમાં આરોપી મહિલા કર્મચારીની અટક કરવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાં થર્ડ પાર્ટી બે ઓડિટરની પણ સંડોવણી સામે આવી છે ત્યારે તેઓની પણ અટક કરી આગળની તપાસની કામગીરીમાં વધુ કડીઓ જોડવાની ગતિવિધિ શરૂ કર્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ કેસની ટૂંક વિગત જોઈએ તો મોરબીમાં તનિષ્ક શોરૂમના ભાગીદાર વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તનિષ્ક મોરબીના શોરૂમમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી, બુટિક સેલ્સ ઓફિસર ધવલ અલ્પેશભાઇ પટની, દાગીના રીપેર કરવાની કામગીરી કરતા આશીષ ગુણવંતભાઇ, રિટેઇલ સેલ્સ ઓફિસર ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવના પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આ શોરૂમના આરોપી કર્મચારીઓએ સાથે મળી શોરૂમના કુલ ૧૦૪ દાગીનાના ટેગ રાખી બારોબર વેચાણ તથા અમુક દાગીના ઉપર આરોપી મેનેજર હરિભાઈ ભટ્ટી તથા આરોપી સેલ ઓફિસર ઈરફાન દ્વારા મુથુટ ફાઇનાન્સમાં દાગીના ગીરવે મૂકી લોન લઇ લીધી હોય ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા આરોપીઓ દ્વારા ૬૭ દાગીના પરત આપ્યા હતા જયારે બાકીના સોનાના દાગીના વેચી બારોબાર વેચી મારતા તમામ આરોપીઓ સામે કુલ કિ.રૂપિયા ૧ કરોડ ૫૬ લાખ ૧૪ હજારની ઉચાપતની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ પાંચ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી સહિતના ચારેય આરોપીઓને સાત દિવસના રીમાન્ડ ઉપર સોંપવા આદેશ કર્યો હતો.