ગેરકાયદે દેશી દારૂ સાથે ભઠ્ઠીના સાધનો અને બાઈક જપ્ત.
વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડી દારૂ, સાધનો અને બાઈક મળી કુલ રૂપિયા ૪૬,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડા સમયે બંને આરોપીઓ સ્થળ પરથી નાશી જતા પોલીસે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે, તીથવા ગામની સીમમાં આવેલા છગનભાઈ બારૈયાની વાડીના શેઢે હોકળામાં આરોપી મુન્નાભાઈ સીતાપરા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જે મુજબની બાતમીને આધારે તુરંત ઉપરોક્ત સ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મુન્નાભાઈ લખમણભાઈ સીતાપરા રહે. તીથવા તા. વાંકાનેર તથા અજાણ્યો એક શખ્સ સ્થળ પરથી નાશી ગયા હતા. ત્યારે પોલીસે સ્થળ પરથી ગેરકાયદેસર ઠંડો આથો ૮૦ લીટર, કિંમત રૂ. ૨,૦૦૦/-, તૈયાર દારૂ ૧૦ લીટર, કિંમત રૂ. ૨,૦૦૦/-, તેમજ ભઠ્ઠીના સાધનો એલ્યુમિનિયમ બકડીયું, ગેસ ચુલો, ગેસ બાટલો, સ્ટીલ થાળી પાટલી) મળી કુલ રૂ. ૪,૬૦૦/-નો સામાન જપ્ત કર્યો હતો. આ સિવાય દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલ હોન્ડા કંપનીની સાઇન મોટરસાયકલ રજી. નં. જીજે-૩૬-એકે-૯૫૭૪ કિં.રૂ. ૪૦,૦૦૦/- સાથે મળી કુલ રૂ. ૪૬,૬૦૦/-નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે