મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા સ્થાનિક પોલીસમાં જાણે રેસ લાગી હોય તેમ એક બાદ એક દરોડાઓ પાડી જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી વર્લીફીચરનો જુગાર રમતા રમાડતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર વીશીપરા સરકારી ગોદામની સામે રોડ ઉપર એક ઈસમ વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રાજેશભાઈ ઉર્ફે રાહુલ રવજીભાઈ વોરા (રહે.વાંકાનેર રોયલપાર્ક સોસાયટી પચ્ચીસ વારીયા પાસે તા.વાંકાનેર જી.મોરબી) નામના ઈસમને વર્લી સાહીત્યની ૨ ચિઠ્ઠી તથા રોકડા રૂ.૧૨,૦૫૦/- મળી કુલ રૂ.૧૨,૦૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માતમ ચોક માળીયા મી. પાસે ખંડેર મકાનમા એક ઈસમ વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રફીકભાઇ હૈદરભાઇ જેડા (રહે- માળીયા મી જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર તા.માળીયા મી જી.મોરબી) નામના ઈસમને પકડી પાડી તેની પાસેથી વરલી ફીચરનો સાહિત્ય તથા રોકડા રૂપીયા ૫૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.