પોલીસે ૨૭,૦૫૦ રૂપિયાના દારૂ અને સાધન સામગ્રી જપ્ત કરી એક આરોપીની ધરપકડ, અન્ય એકની શોધખોળ શરૂ કરી.
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર મોરબી તાલુકા પોલીસ મથક ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે કુલ ૨૭,૦૫૦ રૂપિયાના મુદામાલ સાથે એક આરોપીને ઝડપ્યો, જ્યારે અન્ય એક આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે તાલુકાના લીલાપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે, પરફેક્ટ પ્રિન્ટપેકની પાછળ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું. જેથી તુરંત આ દેશી દારૂ ભઠ્ઠી પર દરોડો પાડી આરોપી સતીષભાઈ બટુકભાઈ જોગડીયા ઉવ.૨૨, રહે.નવાગામ, લગ્ધીરનગર, મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે સ્થળ પરથી કુલ ૨૭,૦૫૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો, જેમાં ૭૫૦ લીટર ઠંડો આથો, ૨૦ લીટર ગરમ આથો, ૧૦ લીટર કેફી પ્રવાહી, ૮૦ પાઉચ (કુલ ૪૦ લીટર) દેશી દારૂ, તથા ભઠ્ઠી ચલાવવા માટે જરૂરી સાધનો જપ્ત કર્યા હતા. દરોડા દરમિયાન કીરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા રહે. લીલાપર મોરબીવાળો હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.