પોલીસે ક્રેટા કાર, દારૂની ૧૨૦ બોટલ સહીત રૂ.૧૦.૬૧લાખનો મુદામાલ કબ્જે લીધો
મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી)ના વવાણીયા ગામે આવેલ વાડામાં રેઇડ કરતા ક્રેટા કારમાં તથા નીચે જમીન ઉપર વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૧૨૦ બોટલ સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા જયારે પોલીસને દૂરથી આવતા જોઈ આરોપી વાડા-માલીક નાસી ગયો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં રાજસ્થાનથી માલ ભરી આપનારનું નામ ખુલતા પોલીસે કુલ ચાર આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ ગુનો નોંધી નાસી છૂટેલ તથા હાજર નહિ મળેલ આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળી હતી કે માળીયા(મી)ના વવાણીયા ગામે મહાકાળી મંદિરની પાસે આવેલ સાગરભાઈ ઉર્ફે ઠુઠો ના વાડામાં અમુક ઈસમો દ્વારા વેચાણ કરવાના આશયથી વિદેશી દારૂનો જથ્થો વાહનમાંથી ઉતારવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલ બાતમીને આધારે એલસીબી/પેરોલ ફર્લો ટીમ દ્વારા માળીયા(મી)ના વવાણીયા ગામે આવેલ વાડામાં દરોડો પાડતા પોલીસને દૂરથી આવતા જોઈ વાડા-માલીક સાગરભાઇ ઉર્ફે ઠુઠો રામૈયાભાઇ સવસેટા સિમ તરફ નાસી ગયો હતો. જયારે બે આરોપી નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી જમીન ઉપર રાખતા હતા.
ત્યારે એલસીબી પોલીસ ટીમે સ્થળ ઉપરથી નંબર પ્લેટ વગરની ક્રેટા કાર, વિદેશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 120 બોટલ સાથે આરોપી દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર ઉવ.૩૩ રહે. હાલ મોરબી વાવડી રોડ, ભૂમી ટાવર સામે, કબીર આશ્રમ પાસે મુળરહે.રાજકોટ મોરબી રોડ,મફતીયાપરા તથા સુખરામ ઉર્ફે હનુમાન બાબુલાલ મોતીલાલ સઉ ઉવ. ૩૫ રહે. હેમાગુડા ગામ, જી. ચિત્તલવાના રાજસ્થાનને ઝડપી લેવાયા હતા. જયારે દરોડા દરમિયાન પકડાયેલ બંને આરોપીની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી આપનાર આરોપી નરપતસીંગ રાજપુત રહે.બાડમેર રાજસ્થાનના નામની કબૂલાત આપી હતી. ત્યારે પોલીસે કાર, વિદેશી દારૂ, મોબાઇલ નંગ 2 સહીત કુલ રૂ.10.61લાખથી વધુનો મુદામાલ કબ્જે લઇ માળીયા(મી) પોલીસ મથકમાં કુલ ચાર આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રવાપર ગામે શિવશક્તિ સોસાયટીમાં બ્રેઝા કારમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી વાવડી રોડ ખાતે રહેતા દેવજી પરમાર સાથે મળી સાગર ઉર્ફે ઠુઠો તથા વિપુલ બાલાસરને આપવા આવેલ હોવાની પકડાયેલ રાજસ્થાની આરોપી દ્વારા કબૂલાત આપી હતી.