માળીયા(મી)ના ખીરઇ ગામમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ સામે માળીયા(મી)પોલીસ અને એલસીબી દ્વારા અલગ અલગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. અલગ અલગ બે દરોડામાં મોટા પ્રમાણમાં દેશી દારૂ અને ઠંડો આથો ઝડપી લેવાયો હતો. પોલીસે કુલ રૂ.૨.૨૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બન્ને દરોડામાં આરોપી હાજર નહિ મળી આવતા, બે શખ્સો સામે પ્રોહીબીશન હેઠળ ગુના નોંધાયો છે.
માળીયા (મી) તાલુકાના ખીરઇ ગામમાં દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પ્રથમ દરોડામાં એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળેલ કે, ખીરઇ ગામની સીમમાં આવેલી “ખારી તલાવડી”ના કાંઠે અનવર ઉર્ફે અનુ હશનભાઇ ભટ્ટી રહે. ખીરઇ ગામ મૂળ સુરેન્દ્રનગર વાળા દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે રેઇડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ૪,૦૦૦ લીટર દેશી દારૂનો આથો કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ૧૦૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૧,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
જ્યારે બીજા દરોડામાં માળીયા(મી) પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખીરઇ ગામના પાણીના સંપની પાછળ આવેલી તલાવડીના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી હતી. જેમાં યુસુફભાઇ ઉર્ફે ભાણો અલ્લારાખાભાઇ સંધવાણી રહે. ખીરઇ ગામ વાળા દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી. જેથી માળીયા(મી) પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ૨,૨૦૦ લીટર આથો કિ.રૂ.૫૫,૦૦૦/-, ૨૬૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૫૨,૦૦૦/- તથા ભઠ્ઠીને લગતી સામગ્રી મળી કુલ રૂ.૧,૦૨,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડામાં આરોપી સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હતો, જેથી તેને ફરાર દર્શાવી માળીયા(મી) પોલીસે તેને પકડી લેવા તજવીજ હાથ ધરી છે









