હળવદ તાલુકાના રાયધા ગામે લગ્નપ્રસંગમાં હરખઘેલા થઇ કરવામાં આવેલ ફાયરિંગ પ્રકરણના ઈસમોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. ભડાકા કાંડના આરોપીઓની પુછપરછ કરી જવાબદારો વિરૂધ્ધ પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે.
હળવદ તાલુકામાં લગ્નપ્રસંગ દરમિયાન હવામાં ફાયરિંગનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા મોરબી એસપી સુબોધ ઓડેદરાએ આપેલ સુચનાને પગલે ડીવાયએસપી રાધીકા ભારાઈ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસમાં વળગી હતી. તપાસ દરમિયાન રાયધા ગામે ખેગાંરભાઈ ગાડુભાઈ કુકવાવાના દિકરાની દિકરીઓના લગ્નમા આ ફાયરીંગ થયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી ગણતરીની કલાકમાં જ પોલીસ ફાયરીંગ કરનાર ઈસમો સુધી પહોંચી ગઈ હતી.
ફાયરીંગ કરનાર ઈસમોને હસ્તગત કરી પુછપરછ કરી જવાબદારો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે જે અંગે ટુંક સમયમા કાર્યવાહી પુર્ણ થયે વધુ વિગતો જાહેર કરવામાં આવશે.