મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી જૈન મંદિર શેરીમાં ઈકો કાર અને સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનું કટીંગ કરતી વેળા મોરબી એ ડિવિઝન પોલીસ ટીમ ત્રાટકતા પોલીસે સ્થળ ઉપરથી ઈકો કારમાં દારૂની ૩૮ બોટલ તથા સ્વિફ્ટ કારમાં ૨૭ બોટલ સાથે રાજકોટ શહેરના ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા જયારે પોલીસને દૂરથી જોઈ મોરબીનો એક શખ્સ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો જયારે વિદેશી દારૂનો જથ્થો રાજકોટ જીલ્લાના વીછીયા ગામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા મોરબી એ ડિવિઝન પોલીસે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી નાસી છૂટેલ આરોપી તથા વિદેશી દારૂના સપ્લાયર એવા આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર કેસની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ગત તા.૦૭/૦૨ની મોડીરાત્રીએ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી પાસે જૈન મંદિર શેરીમાં ઈકો કાર તથા સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂના બોક્સની હેરાફેરી કરતા નજરે પડતા તુરંત કોર્ડન કરી દરોડો પાડતા સ્થળ ઉપરથી ત્રણ આરોપીને ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટા વાળી ઈકો કાર રજીનં.જીજે-૦૩-એમઆર-૨૧૨૫ વાળીમા ભારતીય બનાવટની વિદેશી દારૂની 8 PM SPECIAL રેર વ્હીસ્કીની ૩૮ બોટલ તથા સ્વીફટ કાર રજી નં.જીજે-૦૩-એમકે-૦૦૮૬ વાળીમા ઓફીસર ચોઈસ ક્લાસીક વ્હીસ્કીની ૨૭ બોટલ નંગ-૨૭ એમ કુલ ૬૫ બોટલનો મુદામાલ વેચાણ કરવા રાખતા આરોપી ધર્મેશભાઈ મનસુખભાઈ મહેતા ઉવ.૨૮ રહે સોલ્વન્ટ કોઠારીયા બાપા સીતારામ સોસાયટી શેરી નં.૩ રાજકૉટ, જીતભાઈ રોહીતભાઈ અગ્રાવત ઉવ.૨૨ રહે કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી શેરી નં.૩ રાજકૉટ, પાર્થભાઈ અશોકભાઈ પરમાર ઉવ.૨૫ રહે કોઠારીયા ચોકડી પાસે બ્રાહમણી હોલની આગળ રાધે શ્યામ સોસાયટી રાજકૉટની અટક કરવામાં આવી છે. દરોડા દરમિયાન આરોપી કિશન ઉર્ફે કાનો પાટડીયા રહે મોરબી પોલીસને દૂરથી આવતા જોઈ અંધારાનો લાભ લઇ નાસી જવામાં સફળ થયો હતો. જયારે પકડાયેલ ત્રણેય આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ જીલ્લાના વીછીયા ગામે રહેતા લાલાભાઈ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.