સાંસદ મોહનભાઈ કુંડારિયા ની નિવાસસ્થાને થી શરુ થનારી પોથીજી યાત્રાનું કથાસ્થળ કબીર ધામ વાવડી ખાતે સમાપન:કથાના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે
મોરબીમાં આવતીકાલે શનિવારે મોરારીબાપુની રામકથા પ્રારંભ સાથે પોથીયાત્રા નીકળશે. કથાના તમામ આયોજનોને આખરી ઓપ અપાયો છે. મોરબીમાં ૧૧ મહિના પહેલા ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો. ત્યારે આ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને આ દિવગંતોના મોક્ષાર્થે મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ સામેના મેદાનમાં મોરારી બાપુની રામકથા યોજવાની છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જેને લઇ મોરબી રામકથા સમિતિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માના શાંતિ માટે રામકથા યોજાઈ રહી છે. સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવતીકાલે બપોરે બે વાગ્યે સાંસદ મોહનભાઈ કુંડારિયાનાં ઘરેથી બગી, ઘોડા સાથે ભવ્ય પોથી યાત્રા શરૂ થશે જે નવા બસ સ્ટેન્ડ,ઉમિયા સર્કલ,દલવાડી સર્કલ થઈને વાવડી ચોકડી થી કથા સ્થળ એવા કબીર ધામ આશ્રમ વાવડી ગામ ખાતે સમાપન થશે.જ્યાં કથાકાર મોરારી બાપુ દ્વારા પોથી જી નુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.તેમજ રામકથામાં મૃતકો માટે ખાસ પાંચ અખંડ હવન ચાલુ રહેશે. તેમજ રોજના ૫૦ હજાર લોકો કથાનો અને ભોજન પ્રસાદ નો લાભ લેશે. જયારે કથાના બીજા દિવસે તારીખ ૧ ઓકટોબરના રોજ કથામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે.