જરૂરીયાતમંદ લોકોની જરૂરીયાત સંતોષવા મોરબી નગરપાલિકા સજાગ તેમજ કટિબદ્ધ છેઃમંત્રી બ્રિજેશભાઈ મેરજા
મોરબી નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬૧ જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવાસના ફાળવણી પત્રોનો વિતરણ કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશીપ ઘટક અન્વયેના ૬૧ જેટલા જરૂરીયાતમંદ લાભાર્થીઓને આવાસ/ફ્લેટના સરકારની વેબ પોર્ટલ પર થી ઓનલાઈન પદ્ધતિ થી તૈયાર થયેલ ફાળવણી પત્રો આપવામાં આવ્યા હતા. આવા આવાસોમાં મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ઈ.ડબલ્યુ.એસ. ધરાવતા લોકોને આવાસ ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરીયા ગાર્ડનીંગ કેમ્પસ એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટીંગ, વોટર સપ્લાય, ભુગર્ભ ગટર, વિશાળ પાર્કિગ, રસ્તાઓ સહિત આંતરમાળખાકીય સુવિધાઓ પણ આવાસ યોજનાઓમાં આપવામાં આવેલ છે.
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સેવાકાર્યો જે પ્રજા માટે કરવામાં આવે છે તેના અવિરત લાભો છેવાડાના માનવીને મળે અને જરૂરીયાતમંદ લાભાર્થી તેનો વધુને વધુ લાભ મેળવે તેવી નગરજનોને અપીલ કરી હતી તેમજ ઉમેર્યું હતું કે જરૂરીયાતમંદ લોકોની જરૂરીયાત સંતોષવા નગરપાલિકા અને નગરસેવકો હંમેશા સજાગ અને કટિબદ્ધ છે.
આ પ્રસંગે મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા, અગ્રણીઓ મગનભાઈ વડાવીયા, સુરેશભાઈ દેસાઈ, દેવાભાઈ અવાડીયા, મંજુલાબેન દેત્રોજા, જયુભા જાડેજા તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેન,સભ્યો, કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.