મોરબીમાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી કરીને છ નવા પીએસઆઈની નિમણુક કરવામાં આવી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત છે. મોરબી સહીત રાજ્યના 169 બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ આદેશ જારી કર્યા છે. જેમાં મોરબી જિલ્લાના 3 પીએસઆઇની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાંથી 6 પીએસઆઇને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. તેમજ 13 બિન હથિયારી પીએસઆઇનું સુધારેલું બદલીના સ્થળના હુંકમ પણ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પટેલ હરિભાઈ માનાભાઈની બનાસકાંઠા, જાડેજા ભૂપતસિંહ દાનસિંહની વડોદરા અને પીઠીયા વાલીબેન ભુપતભાઇની દેવભૂમિ દ્વારકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતનાં 4 PSIને મોરબી મુકવામાં આવ્યા છે. જેમાં સુરત ફરજ બજાવતા બગડા ભાનુબેન, ઠક્કર દિલીપકુમાર, કાનાણી ધર્મીસ્ઠાબેન, રાણા જગદેવસિંહની મોરબી જિલ્લામાં બદલી કરાઈ છે. આ સાથે ગાંધીનગર ઇન્ટેલિજન્સના ધાંધલ મૂળુભા અને રાજકોટના હેરભા હરેશભાઈને પણ મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.