ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પાર્ટીના આગેવાનો ગુજરાતમાં પોતાની પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. અને તેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજકોટ આવશે. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે. જ્યાં રેસકોર્સ ખાતે સભા સંબોધ્યા બાદ તેઓ મોરબીમાં રોડ શો ગજાવવા રવાના થશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનાં રોડ શોને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ મોરબી જિલ્લા કિસાન સંઘનાં પ્રમુખ અને આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે.
એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનાં રોડ શોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૦૧ એસ.પી, ૦૫ ડી.વાય.એસ.પી, ૧૨ પી.આઈ, ૩૦ પી.એસ.આઈ. મળી કુલ ૫૫૦ પોલીસ કર્મીઓ અને ૧૫૦ થી વધુ જી.આર.ડી અને ટી.આર.બી ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જયારે મોરબી પાલિકાના ફાયરનો સ્ટાફ પણ ખડે પગે રહેશે. જ્યારે બીજી બાજુ મોરબી જિલ્લા કિસાન સંઘનાં પ્રમુખ અને આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા છે. જેમાં ખેડૂત આગેવાન જીલેશ કાલરીયા સહિતનાને ટંકારા પોલીસે તેઓની જગ્યા પર જ નજર કેદ કર્યા છે.