ટંકારાના મફતિયાપરામાં પાણી વિતરણ મામલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈ આજે સ્થાનિક મહિલાનું ટોળું ટંકારા પંચાયતે પહોંચ્યું હતું અને પાણી વિતરણ મામલે આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ટૂંક સમયમાં જો સમસ્યાનો નિકાલ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
મળતી માહિતી અનુસાર, આજ રોજ ટંકારા ગામની 30 જેટલી મહિલાઓ દ્વારા ગામના સરપંચને પાણીની સમસ્યાને લઈ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ટંકારાનાં નગરનાણ પોલીસ સ્ટેશન પાછળ આવેલ મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. પાણી ચાર-ચાર દિવસે આવે છે. અને એ પણ ધીમે ધીમે આવે છે. અને એનો પણ કોઈ ટાઈમ ટેબલ ફિક્ષ નથી. જેથી સ્થાનિક લોકોના ઘરમાં પીવાના પાણીની બહુ મોટી સમસ્યા રહેતી હોય છે. જેથી અધિકારીઓ આ અરજીને ધ્યાને લઈ વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જો આવું કરવામાં નહિ આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.