વર્ષ ૨૦૧૮માં મોરબી દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કર્યા બાદ ચાલુ વર્ષે મેઘરાજા એટલા બધા મહેરબાન બની ગયા છે, કે જાણે લીલો દુષ્કાળ સર્જાયો હોય તેવી સ્થિતિ બની છે. ઓગસ્ટ માસમાં પણ મોરબી શહેર અને તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો હતો. ત્યારે ઘણા ખેડૂતોના ઊભા પાકને પણ નુકશાન થયું છે. જેને પગલે મોરબી જિલ્લા યુવા ભાજપનાં ઉપપ્રમુખ જગદીપ બાલુભાઈ સંઘાણી દ્વારા કૃષિ મંત્રી રઘવજી પટેલને રજૂઆત કરવામાં આવી છે.
જગદીપભાઈ દ્વારા પત્ર લખી રાઘવજી પટેલને જણાવવામાં આવ્યું હતું કે, હાલ છેલ્લા એક – દોઢ માસથી સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેવી જ રીતે મોરબી જિલ્લાના માળીયા(મી.) માં પણ વધુ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં છેલ્લા વરસાદમાં જ ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે, અતિભારે વરસાદના લીધે માળીયા(મી.) તાલુકાના ઘણાખરા ખેડૂતોના ઉભા પાકોને નુકશાન થયું છે અને જો હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદ થાય તો તમામ ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવશે. હાલતો ખેડૂતોની હાલત વરસાદના કારણોથી કફોડી બની જ છે. જયારે જે ખેડૂતો બધાનું પેટ ભરતા હોય તેઓની જ હાલત આટલી કફળી થતી હોય તેનાથી વધુ દુઃખી થવા જેવી કોઈ બીજી વાત ના હોય જેથી મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી કરી અને જગતનો તાત કહેવાતા ખેડૂતોને તેમના નુકસાનનું ચૂકવણું કરવામાં આવે જેથી તે આ દુષ્કાળની સ્થિતિમાં પોતાની આજીવિકા ટકાવી શકે. તેવી મોરબી જિલ્લા યુવા ભાજપનાં ઉપપ્રમુખ જગદીપ બાલુભાઈ સંઘાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.