નાના ધંધાર્થી તેમજ માધ્યમ વર્ગ ને કોરોના ને કારણે પડેલ મુશ્કેલી અને આર્થિક નુકશાન સામે રાહત રૂપ વળતર આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા હોટેલો રિસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટર પાર્ક ને પ્રોપટી ટેક્ષ તેમજ વીજબીલમાં રાહત આપવાનો નિર્ણય, મફત અનાજ આપવાનો નિર્ણય વગેરે જેવા નિર્ણયો કરવામાં આવ્યાં છે ત્યારે આ કોરોનાની બીજી લહેર ના કારણે ઘણા નાના ધંધાર્થીઓનાં ધંધા બંધ હતા. ઘણા નોકરિયાતો એ પોતાની નોકરીઓ ગુમાવી છે ઘણા નાના ધંધાર્થીના ધંધા બંધ થઇ જવા પામેલ છે. તેવા લોકો માટે સરકાર માં કેમ કઈ વિચારણા થતી નથી? આમા ઘણા નાના ઉધોગકારો પણ આવી જાય છે. તેમજ કારીગરો, મજુરો, કડિયાઓ, સુતારકામ કરતા કારીગરો , દરજીઓ, વાણંદ ,કેટરર્સ , મંડપ સર્વિસ વાળા મજુરો , કલાકારો, લારીવાળા ધંધાર્થીઓ , પાન ના ગલ્લા વાળા , વગેરે ઘણો મોટો વર્ગ આમાં આવે છે. જેને કોઈ બાજુથી લાભ પણ મળવાનો નથી તેવા લોકોને રાહત આપવા માટે વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ ,ડીઝલ અને ગેસના ભાવનો માર તો વધારાનો, ઘણા લોકો કોરોનાની ઝપટ માં આવેલ છે તેવા ને દવાનો ખર્ચ પણ થયેલ છે. આવા સંજોગો માં આવા લોકો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે. તેમજ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવો નીચા કરવા પણ વિનંતી કરવામાં આવી છે.