મોરબી જિલ્લાના માળીયા (મિયાણા) તાલુકાની ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલમા ‘સત્યશોધક સભા- સુરત’ (વહેમ,અંધશ્રદ્ધા સામે વિવેક બુદ્ધિવાદી અને વૈજ્ઞાનિક અભિગમ ના પ્રસાર ને વરેલી સંસ્થા) દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ચમત્કારીક પ્રયોગો.. જેવાકે મંત્ર શક્તિથી અગ્નિ પ્રગટ કરવો,એકના ડબલ કરવા , હાથમાંથી કંકુ નીકળવું, હાથ અને માથા પર દીવા રાખવા, નજરબંધી, ચલણી નોટ ગાયબ કરવી, ચમત્કારિક રૂમાલ, નાળિયેર માંથી ચુંદડી ચોખા કાઢવા, મનગમતી મીઠાઈ નો સ્વાદ, ભૂત ને લોટા માં પકડવું, રંગ બદલતા પદાર્થ, હાથમાંથી ગંગાજળ કાઢવું જેવા પ્રયોગોનું સત્યશોધક સભાના પ્રમુખ શ્રી સિધ્ધાર્થભાઇ ટી. દેગામી સાહેબે નિર્દેશન કરી વિધાર્થીઓને અંધશ્રદ્ધાથી જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમ માળીયા તાલુકાના ચીખલી ગામના જ વતની અને ધર્મશાળામાં ચાલતી ખાખરેચી હાઈસ્કૂલના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી સિદ્ધાર્થ ટી. દેગામી સર દ્વારા આપવામાં આવ્યો હતો.હાલ સિદ્ધાર્થ દેગામી સર સત્ય શોધક સભા ના પ્રમુખ તરીકે તેમજ નવી દિલ્હી પ્રેરિત રાષ્ટ્રીય બાલવિજ્ઞાન કોંગ્રેસ ના ગુજરાત રાજ્યના કો-ઓરડીનેટર તરીકે ફરજ બજાવે છે.અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 10000 થી વધુ કાર્યક્રમો કરીને સમાજમાં અંધશ્રદ્ધા પ્રત્યે જાગૃત કરવાનું અનેરું કાર્ય કર્યુ છે.આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ સર ના સહપાઠી મિત્રો મુકુંદરાય જોશી, રણછોડભાઇ ઓડિયા, મનસુખભાઇ ચારોલા તેમજ મહેશભાઈ પારજીયા મદદ માં રહ્યા હતાં અને એકબીજાને ઘણા વર્ષો પછી મળી શાળાની યાદો તાજી કરી હતી.કાર્યકમના અંતે શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણિયાએ સત્ય શોધક સભા સુરત ના પ્રમુખ સિદ્ધાર્થ દેગામી સર નો આભાર વ્યક્ત કર્યો હતો..