ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારા ભૂત કોટડા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ ઉજવાયો હતો અને ત્યારે ધાર્મિક પુસ્તકો સાથે ગુજરાતી ભાષાના પુસ્તકોનું બાળકો પાસે પૂજન કરાવવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, ભૂત કોટડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાનો મૂળ કક્કો અલગ અલગ ૭ રાગમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. જે નવતર પ્રયોગ સંગીતમય કક્કાની નોંધ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી અને શુભેચ્છા પત્ર મોકલી શિક્ષિકા ગીતાબેન સાંચલાને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષિકા ગીતાબેન સાંચલાને મોકલેલ શુભેચ્છા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકોને રમત રમતમાં કક્કો અને બારાક્ષરીને ગાઇને સમજાવવાના આપના પ્રયાસ અંગે જાણીને પ્રસન્નતા થઈ. આપણી સંસ્કૃતિમાં અધ્યયનમાં પૂર્વે વેદો અને શાસ્ત્રોનો સમાવેશ થતો હતો. આ તમામ સાહિત્ય સંસ્કૃતમાં પદ્ય સ્વરૂપમાં લખાયેલું છે. જેના કારણે વિદ્યાર્થીઓ એને સરળતાથી મુખપાઠ કરી શકતા હતા અને તેમને શ્લોકના સ્વરૂપમાં આ સાહિત્ય આજીવન યાદ રહી જતું હતું. ગદ્ય કરતાં પદ્ય રચના કે જે ગાઇ શકાય છંદબદ્ધ હોય તે સરળતાથી મોઢે રહી શકે છે અને કાયમી ધોરણે યાદ રહી જાય છે. આપણા ઋષિમુનિઓએ આ જ કારણથી મોટાભાગના સાહિત્યની રચના પદ્ય સ્વરૂપમાં કરેલ છે. આ સંદર્ભમાં આપે પણ બાળકોને કક્કો અને બારાક્ષરી ગાઇને શિખવવાનો નવતર પ્રયોગ કર્યો છે એ અભિનંદનીય છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશાં ભાર વગરના ભણતરના હિમાયતી રહ્યા છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત તેમણે શાળાના દફ્તરનો બોજ શાળા સુધી જ સીમિત રહે એવી વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂક્યો છે. આ પરિપ્રેક્ષ્યમા કક્કો-બારાક્ષરી શિખવવાની અનોખી પદ્ધતિ દ્વારા આપે સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આજના સમયમાં માતૃભાષાનું મહત્ત્વ ભૂલાતું જાય છે. વિદ્યાર્થીઓ માતૃભાષાના મહાત્મયને સમજે એ આવશ્યક બની રહ્યું છે. આ અનુસંધાનના આપે ભજન, લગ્નગીત, લોકગીત, ધૂન, ચોપાઇ, દુહા, છંદ વગેરે, લયમાં કક્કો ગવડાવીને વિદ્યાર્થીઓને માતૃભાષાનો મર્મ સમજાવ્યો છે, તે સર્વથા આવકાર્ય છે. આજ પ્રકારના નવતર પ્રયોગો સાથે આપ વિદ્યાર્થીઓને મનોરંજકતા સાથે જ્ઞાન પીરસતા રહો અને તેમને સરળતાથી વિદ્યા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરતા રહો એવી અંતરતમ્ શુભકામનાઓ. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષિકા ગીતાબેન સાંચલાને મોકલેલ શુભેચ્છા પત્રમાં જણાવવામાં આવ્યું હતું.