મોરબી માળિયાનાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોનામાં દિવંગત થયેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે. જે કથામાં સામેલ થવા માટે કથાનું આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું હતું. જેના પ્રત્યુતરમાં વડાપ્રધાન મોદીએ કાંતિલાલ અમૃતિયાને પત્ર લખી શુભકામના પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ નિમંત્રણનાં જવાબમાં મોકલેલ પત્રમાં લખ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના સમયમાં દિવંગત થયેલા સ્વજનોના મોક્ષાર્થે મોરબી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના આયોજનનું આમંત્રણ પ્રાપ્ત થયું હતું. ભાગવત કથા ભક્તિયોગનું મહાત્મ્ય સમજાવતો પવિત્ર વેદાંત ગ્રંથ છે. પવિત્ર ચાતુર્માસમાં ભાગવતમાં આલેખાયેલા તત્વજ્ઞાનનું પારાયણ સમાજમાં ધાર્મિક અને સામાજિક ચેતનાનું નિમિત્ત બની રહેશે. વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય ભાઈશ્રીને વંદન, સમગ્ર કથા આયોજનને શુભકામનાઓ પાઠવી હતી.