લોકસભા ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ 25મી ફેબ્રુઆરીના રવિવારે રાજકોટ પધારવાના છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૫ ફેબ્રુઆરીના કાર્યક્રમો અન્વયે રાજકોટ શહેરના ૧૪ રસ્તાઓ પર અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમજ કાર્યક્રમને લઈ પાર્કિંગ માટે સ્થળો જાહેર કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રાજકોટ શહેરના કાર્યક્રમ અન્વયે માર્ગો પર ટ્રાફિકના નિયમન માટે તા. ૨૪/૨/૨૦૨૪ના બપોર ૧૧:૦૦ કલાકથી ૧૭:૦૦ કલાક સુધી તથા તા.૨૫/૨/૨૦૨૪ના બપોરના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જુના એરપોર્ટથી એરપોર્ટ ફાટક, જુની એન.સી.સી પોલીસ હેડક્વાર્ટર્સ સર્કલથી બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક થી કિસાનપરા ચોક, જુની એન.સી.સી ચોક રેસકોર્ષ રીંગરોડ ઉપર અને કોટેચા ચોકથી મહિલા અંડર બ્રિજ તથા વિરાણી ચોકથી મહિલા અંડર બ્રિજ સુધી તમામ પ્રકારના વાહનો માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ વિસ્તારને “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ સમયે રાજકોટ શહેરના ગીત ગુર્જરી શેરી તરફથી એરપોર્ટ સર્કલ રેસકોર્સ, આમ્રપાલી અંડરબ્રિજથી જુની એન.સી.સી ચોક, ટ્રાફિક શાખાથી જૂની એનસીસી ચોક સુધી, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યના બંગલાથી રેસકોર્સ રીંગરોડ તરફ, આદિત્ય બિલ્ડીંગ બહુમાળીથી રેસકોર્સ રીંગરોડ, ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવનચોક, સરકીટ હાઉસ આઉટ ગેટ આકાશવાણી રોડથી ગેલેક્સી-૧૨ માળા બિલ્ડીંગ તરફ, ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોક/કિસાનપરા ચોક તરફ આવન જાવન, યાજ્ઞિક રોડ ઠક્કરબાપા છાત્રાલયથી જિલ્લા પંચાયત તરફ, હરિભાઈ હોલ યાજ્ઞિક રોડથી ભારત ફાસ્ટ ફૂડ/વિરાણી ચોક તરફ, ગોડાઉન ચોક થી મહિલા અંડર બ્રિજ સુધી, કોટેચા સ્વામીનારાયણ મંદિરથી મહિલા અંડર બ્રિજ અને કિસાનપરા ચોક સુધી, આમ્રપાલી અંડર બ્રિજ અને કિસાનપરા ચોક જવા માટે, ભોમેશ્વર મંદિરથી એરપોર્ટ ફાટક તરફ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવેલ છે.
આ માટે વૈકલ્પિક રસ્તાઓ ગીત ગુર્જરી મેઈન રોડથી આરાધના સોસાયટી મેઇન રોડથી રેલવે ટ્રેક-લક્ષ્મીનગર બ્રિજથી ટાગોર રોડ યાજ્ઞિક રોડ અને એસ. ટી. બસ સ્ટેશન તરફ જઈ શકાશે તેમજ હનુમાન મઢી ચોક, નિર્મલા કોટેચા ચોક, અમીન માર્ગ તરફથી આ રૂટ પર અવરજવર કરી શકાશે. ઉપરાંત ચાણક્ય બિલ્ડિંગ ચોકથી તમામ વાહનો શ્રોફ રોડ- ટ્રાફિક શાખા, જામનગર રોડ તરફથી ફૂલછાબ ચોક, મોટી ટાંકી ચોક થી યાજ્ઞિક રોડથી, વિદ્યાનગર અને મંગળા રોડ,ગોડાઉન ચોક, લક્ષ્મીનગર અંડર બ્રિજથી કાલાવડ રોડ/ રૈયા રોડ તરફ જઈ શકશે. ફૂલછાબ ચોકથી રૈયા રોડ અને કાલાવડ રોડ તરફ જવા માટે તમામ વાહનો ચાણક્ય બિલ્ડીંગ ચોકથી ઉપર મુજબના રોડનો ઉપયોગ કરી શકશે. સ્વામિનારાયણ મંદિરથી મહિલા અંડરબ્રિજ, ટાગોર રોડ તરફ જવા માટે સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિરથી મહિલા કોલેજ, અમીન માર્ગ, લક્ષ્મીનગર અંડરબ્રિજથી ટાગોર રોડ યાજ્ઞિક રોડ તરફથી એસ.ટી.બસ સ્ટેશન તરફ જઈ શકાશે તેમજ કોટેચા ચોક, સ્વામિનારાયણ મંદિરથી ટાગોર રોડ તરફ જવા માટે અમિન માર્ગ – લક્ષ્મી નગર બ્રીજ થી એસ.ટી.બસ સ્ટેશન તરફના રોડ પર જઈ શકાશે. આમ્રપાલી અંડર બ્રિજ અને કિસાનપરા ચોક જવા માટે હનુમાન મઢી, નિર્મલા રોડ, કોટેચા ચોકથી અમીન માર્ગ લક્ષ્મીનગર બ્રિજનો ઉપયોગ કરી શકાશે. પાર્કિંગ અંગે એસ.ટી. બસ માટે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ધર્મેદ્રસિંહજી કોલેજ (ડી.એચ.) ગ્રાઉન્ડ, ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, જામનગર રોડ ખાતે આવેલું સ્પેશ્યલ હોમ ફોર બોયઝ ગ્રાઉન્ડ, શાસ્ત્રી મેદાન તેમજ બસ માટે મોરબી હાઉસ સિંધોઇ પાર્ટી પ્લોટ ઉપરાંત વી.વી.આઇ.પી. માટે માધવરાવ સીંધીયા ક્રીકેટ ગ્રાઉન્ડ ચબુતરાવાળુ ગ્રાઉન્ડ વી.આઇ.પી. પાર્કીંગ ભવન સામે પ્રવેશ બહુમાળી ચોકથી અંદર, બહુમાળી ભવન પાર્કિંગ, રેસકોર્ષ રીંગ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે, ફનવર્લ્ડ સામે સર ગોસલીયા માર્ગવાળી શેરી, પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્યના બંગલાવાળી શેરી, સરકીટ હાઉસ સામેનું ગ્રાઉન્ડ મેમણ બોર્ડીગ, એસ.બી.આઇ. ગ્રાઉન્ડ સરકીટ હાઉસ પાસે, બાલભવન અંદર જોકરવાળુ ગ્રાઉન્ડ તથા ફોર વ્હીકલ માટે રીલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટીકા પાછળ પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે.