મહાનગરપાલિકા હદમાં આવતાં રસ્તાઓ માટે રાઈટ ઓફ વે હેઠળ જાહેર નોટિસ જાહેર, ૧૦ મે સુધીમાં વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા.
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ૧૦ પ્રવર્તમાન રસ્તાઓ (ROW)ને ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 હેઠળ “લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ” જાહેર કરવામાં આવ્યા છે. શહેરના ટ્રાફિક વ્યવસ્થાની સુદૃઢતા માટે માર્ગોને ખુલ્લા કરવા મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. અસરગ્રસ્ત લોકો ૧૦ મે ૨૦૨૫ સુધીમાં લેખિતમાં વાંધા-સૂચનો આપી શકે છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રોડ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા હસ્તગત કરવામાં આવેલા કુલ ૧૦ “રાઈટ ઓફ વે” (ROW)ને ખુલ્લા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પ્રવર્તમાન તેમજ ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા તથા સુવ્યવસ્થિત માર્ગ વ્યવસ્થા બનાવવા માટે મહાનગરપાલિકાએ પગલાં લીધાં છે. આ માટે ૮ એપ્રિલ, ૨૦૨૫થી ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૯ની કલમ-૨૧૦ હેઠળ આ માર્ગોને જાહેર માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં જે વ્યકિતઓને અસર થાય છે તેવા પ્રજાજનો માટે મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપીને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની વાંધા-સૂચનાઓ ૧૦ મે, ૨૦૨૫ સુધીમાં લેખિતમાં મોરબી મહાનગરપાલિકાની કચેરીમાં રજુ કરે.
ઉલ્લેખનીય છે કે, જાહેર માર્ગોની વિગતો તથા તેના નિમિત્તે કોઈ પણ માહિતી મેળવવા માંગતા નાગરિકો માટે ટીપી શાખામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કચેરીના સમય દરમ્યાન માર્ગદર્શન આપવામાં આવશે તેમ મોરબી મનપા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની યાદીમાં જણાવ્યું છે.