મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાને લઇ ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસે મતદાન મથકમાં તેમજ મતદાન મથક નજીક પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે મતદાન મથકમાં તેમજ મતદાન મથક નજીક મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાક ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારોને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, મતદારને મત ન આપવા માટે સમજાવવા, અમુક ઉમેદવારોને મત ન આપવા માટે મતદારોને સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર, મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા, વાહનો સાથે ૧૦૦ મીટરની હદમાં પ્રવેશ કરવો, મતદાર મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવો જેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.