વાંકાનેર તાલુકાના વીરપર ગામે માથાભારે ચાર શખ્સોએ આંતક મચાવી ખેડૂત અને તેના પરીવાર ઉપર લાકડાના ધોકાઓ વડે હુમલો કર્યો હતો. બનેલ બનાવના કારણમાં ભોગ બનનાર ખેડૂતના રહેણાંક મકાન પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાં બાંધકામ કરવાની ના પાડતા જે બાબતનો ખાર રાખી ખેડૂત અને તેના પરિવારના સભ્યોને ગામના જ ચાર શખ્સો દ્વારા લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે તથા હાથમાં ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે ભોગ બનનાર ખેડૂત દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વીરપર ગામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર બનાવની મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા દેવશીભાઇ શામજીભાઈ કુકવાવા ઉવ.૫૫એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી બેચરભાઈ અજુભાઈ દેકાવાડીયા, ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડીયા, મહીપતભાઈ ચતુરભાઈ દેકાવાડીયા, રણજીતભાઇ ચતુરભાઈ દેકાવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે બે દિવસ પહેલા ફરીયાદી દેવશીભાઇના કબ્જા ભોગવટા વાળા પ્લોટમાં દેવશીભાઇના પાડોશમાં રહેતા આરોપી બેચરભાઈએ બાંધકામ ચાલુ કરતા જેને લઇ દેવશીભાઈએ આરોપીને આ પ્લોટમાં બાંધકામ કરવાની ના પાડેલ ત્યારે આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરેલ હતી. જે બાદ ગત તા.૦૬/૦૫ના રોજ ઉપરોક્ત બાબતનું મનદુઃખ રાખી ચારેય આરોપીઓએ સાથે મળી દેવશીભાઈના દીકરા સાથે વીરપર ગામમાં આવેલ ડેરી પાસે બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા અને લાકડાના ધોકા વડે માર મારી રવી દેવશીભાઇને માથામાં કાન પાસે ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાબતની જાણ ફરિયાદી દેવશીભાઈને તેમજ દેવશીભાઇ અન્ય પરિવારના સભ્યોને થતા તેઓ બધા ઘટના સ્થળે પહોંચતા જ્યાં આ ચારેય આરોપીઓએ દેવશીભાઈને ઢીકા પાટુનો મારી ભુંડાબોલી ગાળો આપી ધોકાવતી માથામાં ગંભીર ઈજા પહોંચાડેલ તેમજ હાથની કોણી અને ખંભામાં પાસે ઇજા પહોંચાડેલ ત્યારે પરિવારના અન્ય મહિલા સભ્ય નિતાબેન વચ્ચે છોડાવવા જતા તેમને પ હાથની કોણી પાસે લાકડાનો ધોકો મારી ઇજા પહોંચાડી હતી. ચારેય આરોપીઓએ દેવશીભાઈએ તથા તેના પરિવારના સભ્યોને માર મારી જતા જતા આરોપી બેચરભાઈએ કહ્યું કે હવે પછી પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.