મોરબી મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં આજે સવારથી લખધીરવાસ,આલાપ રોડ પર ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું જે બાદ અવની ચોકડી પાસે નિર્માણાધિન દુકાનો તોડવા માટે મનપા ટીમ પહોંચી હતી જેમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
મનપા ની ટીમ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની શરૂઆત કરવામાં આવતા જ મિલકત ધારક મહિલાઓ સહિત તેના પરિવાર સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને હોબાળો મચાવી કામગીરી અટકાવી હતી અને તેઓ દ્વારા આ મેટર હાઇકોર્ટમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જોકે હાજર અધિકારીએ તેમને સ્ટે ઓર્ડર બતાવવા કહેતા તેઓ પાસે હાજર ન હતો જે બાદ વિરોધ કરનાર દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે અન્ય ગેરકાયદે બાંધકામ પણ દૂર કરવામાં આવે પછી તેનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવે અને આ માંગ સાથે તમામ મહિલાઓ અડગ રહ્યા અને અંતે મનપા દ્વારા પોલીસ બોલાવી હતી.પોલીસ આવ્યા બાદ પોલીસ સાથે પણ રકઝક થઈ હતી.
બાદમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ સહિતનો વધારે સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને વિરોધ કરનારા લોકોને સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને મનપા એ તેની કાર્યવાહી પૂર્ણ કરી હતી.