વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ મિનરલ્સ પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડી આશરે ૮૦૦ મીટર વાયર તથા અન્ય સામાન સહિત રૂ. ૧.૯૪ લાખની ચોરી કરી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધાતા, પોલીસે આરોપીના સગડ મેળવવા તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા મિનરલ્સ નામના ગળદા (બેલા પથ્થર)ના પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તા. ૬ માર્ચની સાંજે ૫ વાગ્યાથી તા. ૭ માર્ચની સવારે ૮ વાગ્યા વચ્ચેના કોઈપણ સમયે અજાણ્યા ચોરો ક્વાર્ટરના તાળા તોડી ક્વાર્ટરમાં રાખેલ ૦૬ એમ.એમ. પટ્ટી કેબલ વાયર આશરે ૮૦૦ મીટર કિ.રૂ. ૧,૮૬,૪૦૦/- તેમજ પાવર સપ્લાયના ૮ સ્ટાટર કિ.રૂ.૮,૦૦૦/- સહિત કુલ રૂ.૧,૯૪,૪૦૦/-ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે પ્લાન્ટના માલિક બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા રહે. પેડક સોસાયટી દિગ્વીજયનગર વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









