મોરબીના લખધીરપુર રોડ પર આવેલી ન્યૂ પટેલ રિવાઈન્ડિંગ દુકાનમાં રાત્રીના અજાણ્યા તસ્કરોએ શટર ઉચકાવી પ્રવેશ કરી અંદર રાખેલો કોપર વાયર, મોટર બોડી, ટ્રાન્સફોર્મર, ભંગાર વાયર અને સીસીટીવી કેમેરા-એનવીઆર સહિત લગભગ રૂ.૧.૯૮ લાખના મુદામાલની ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપી અજાણ્યા ચોર ઇસમોને ઝડપી લેવા અલગ અલગ દિશામાં કવાયત શરૂ કરી છે.
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્ષની દુકાન નંબર ૪ માં ‘ન્યૂ પટેલ રીવાઇન્ડિંગ’ નામે દુકાન ધરાવતા મનીષભાઈ રામજીભાઈ મેરજા ઉવ.૪૦ રહે. મોરબી કેનાલ રોડ રામકો બંગલો પાછળ તુલસી શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૧ વાળાની ઉપરોક્ત રિવાન્ડિંગનીના દુકાનના શટર ઊંચકી અજાણ્યા ચોર ઈસમ દ્વારા મોટી ચોરીને અંજામ આપ્યો છે. આ ચોરીના બનાવ અંગેની ફરિયાદ અનુસાર, ગત તા.૦૧/૧૨ની રાત્રી થી ૦૨/૧૨ની સવાર દરમિયાન અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર કોઈ સાધનથી ઉચકાવી અંદર પ્રવેશ કર્યો હતો. અને દુકાનમાંથી નવો કોપર વાયર-૨૮૦ કિલો કિ.રૂ.૧.૧૧ લાખ, સબમર્સિબલ મોટરનો નવો વાયર ૧૦૦કિલો કિ.રૂ.૩૯,૭૦૦/-, કોપર ભંગાર વાયર ૬૦ કિલો કિ.રૂ.૨૦ હજાર, ૧૨ નંગ મોટરની બોડી કિ.રૂ.૧૨ હજાર, ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર કિ.રૂ.૫ હજાર તથા સીસીટીવી કેમેરા અને એનવીઆર સેટ કિ.રૂ.૧૦ હજાર એમ કુલ કિ.રૂ. ૧,૯૮,૨૦૦/- ની માલમત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવ અંગેની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









