રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને માર્ગના કામ તાત્કાલિક પૂરા કરવા વિનંતી
મોરબી જીલ્લાના વિવિધ ગામોને જોડતા માર્ગોના કામ લાંબા સમયથી અધૂરા રહેતાં ગામજનોમાં રોષ સાથે મૌખિક રજુઆત બાદ રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ અંગે તાત્કાલિક કાર્યવાહીની માંગણી સાથે લેખિત રજુઆત કરી છે.
કાંતિલાલ બાવરવા દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લાના માળિયા તાલુકાના મોટા ભેલા ગામને જશાપર સાથે જોડતા માર્ગનું કામ મંજુર થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને પ્રારંભિક માટીકામ તથા મેટલનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ મુખ્ય ડામર કામ હજુ બાકી છે. આ કામ માટે રૂ. ૨ કરોડના ખર્ચની મંજુરી હોવા છતાં કામ છેલ્લા ઘણા સમયથી અટવાયું છે. ગામજનો અને સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે જો આ માર્ગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ ન થાય તો આંદોલન શરૂ કરશે.
આ ઉપરાંત, મોરબી-પીપળી-જેતપર રોડ, મોરબી-હળવદ રોડ, મહેન્દ્રનગરના ઓવરબ્રિજ અને પંચાસર રોડ જેવા અનેક કામ પણ લાંબા સમયથી અધૂરા છે. મોરબી જીલ્લામાં માર્ગ સુવિધાઓ માટે મંજુર થયેલા પ્રોજેક્ટમાં નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે, આ માટે કોન્ટ્રક્ટર સામે પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ માર્ગના કામ અધૂરા રહેવાથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આ સિવાય અનેક સ્થળોએ નબળું મટીરીયલ વપરાતા રોડ બનવાનું કામ પૂરું થાય તે પહેલાં તૂટી જાય છે. આ અંગે તપાસની માંગણી કરવામાં આવી છે. વધુમાં કાન્તિલાલ બાવરવાના જણાવ્યા કે આ મામલે તાત્કાલિક પગલા લેવા અને કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી કરવા રજુઆત કરી છે. અને ચીમકી ઉચ્ચારી છે કે જો ઉપરોક્ત દરેક બાબતે યોગ્ય કાર્યવાહી ન થાય તો તેઓ સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધેલા માર્ગે આંદોલન કરશે.