મોરબી જીલ્લામાં નાગરિકો માટે નવા ફોજદારી કાયદા અંગે જાગૃતિ ફેલાવવા માટે મોરબી જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એક અનોખી પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ૨૦૨૩માં લાગુ કરાયેલા ત્રણ નવા કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે લોકોને માહિતગાર કરવા માટે ૬ જૂનથી ૧૫ જૂન ૨૦૨૫ દરમિયાન ચિત્ર, ઓડિયો અને વિડિયો સ્પર્ધાનું આયોજન કરાયું છે.
આ સ્પર્ધામાં મોરબી જીલ્લાના નાગરિકો ભાગ લઇ શકે છે અને તેઓએ પોતાની કૃતિ ઈમેલ દ્વારા મોકલવાની રહેશે. ઈમેલ સાથે પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર દર્શાવવો ફરજિયાત રહેશે. સ્પર્ધા માટે કૃતિ મોકલવાનો ઈમેલ આઇડી [email protected] અને સંપર્ક માટે 9773239553 નંબર આપવામાં આવ્યો છે. વિજેતાઓને રોકડ ઇનામો આપવામાં આવશે. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ ક્રમશઃ રૂ. ૫ હજાર, ૩ હજાર અને ₹૨ હજાર રહેશે. ઓડિયો સ્પર્ધામાં રૂ.૧૫ હજાર, ૧૦ હજાર અને ૫ હજારના ઇનામો જ્યારે વિડિયો સ્પર્ધામાં રૂ.૨૦ હજાર, ૧૫ હજાર અને ૧૦ હજારનું રોકડ ઇનામો વિજેતાઓને આપવામાં આવશે.
સ્પર્ધાનું પરિણામ ૨૦ જૂન ૨૦૨૫ ના રોજ મીડિયા માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. પરિણામ કમિટીની ચકાસણી બાદ લેવાશે અને તે અંતિમ ગણાશે. દરેક વ્યક્તિ માત્ર એક જ કૃતિ અને એક જ ઈમેલથી ભાગ લઈ શકશે. આ પ્રકારની સ્પર્ધા દ્વારા કાયદાની સમજ નાગરિકો સુધી પહોંચે અને તેઓ ન્યાયપ્રણાલી સાથે વધુ સજાગ બને એ મુખ્ય ઉદેશ્ય છે. મોરબી જીલ્લા પોલીસની આ પહેલ સાચે જ પ્રશંસનીય અને લોકલક્ષી છે.