અગાઉ યુવકની પત્ની સાથે મોબાઇલમાં વાત કરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી યુવક ઉપર ઘાતકી હુમલો.
મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા પીયુસી સેન્ટર સંચાલક યુવક ઉપર ચાર શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ધોકા વડે માથામાં ઘા મારવામાં આવતા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાના કારણમાં અગાઉ યુવકની પત્ની સાથે મોબાઈલમાં વાત કરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી યુવકની પીયુસી સેન્ટરની દુકાને આવી ગાળો આપી, ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગપીની વાડી વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ પોપટભાઈ ડાભી ઉવ.૩૦ જે મોરબી માર્કેટિંગ યાર્ડ પાસે બાલાજી પીયુસી સેન્ટર ચલાવે છે, તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી જેરામભાઈ પરષોત્તમભાઈ પરમાર, અંકિત જેરામભાઈ પરમાર રહે.બન્ને વાવડી રોડ કબીર આશ્રમ સામે તથા આરોપી ભગવાનજી પરષોત્તમભાઈ પરમાર અને દિનેશ ભગવાનજી પરમાર બન્ને રહે.ગધેયની વાડી વિસ્તાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી ગૌતમભાઈના પત્નીને આરોપી અંકિત પરમાર અગાઉ ફોન કરતો હોય તે બાબતે બોલાચાલી ઝઘડો થયેલ જે બાબતનો ખા૨ રાખી, ગઈકાલ તા.૨૯/૦૪ના રોજ ફરીયાદી ગૌતમભાઈએ આરોપી અંકિતને આ બાબતે કહેતા તેને સારૂ નહીં લાગતા, ચારેય આરોપીઓ બપોટના સમયે એક ફોર વ્હીલ કારમાં ગૌતમભાઈની પીયુસી સેન્ટરની દુકાને આવ્યા હતા. જ્યાં ચારેય આરોપીઓએ ગૌતમભાઈની બેફામ ગાળો ભાંડી માથામાં ધોકાના ઘા મારી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે દેકારો થતા આજુબાજુની દુકાન વાળા એકઠા થઇ જતા, ચારેય આરોપીઓ ચાલ્યા ગયા હતા, ત્યારે લોહી નીકળતી હાલતમાં ગૌતમભાઈની મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાલ એ દિવ8ઝન પોલીસે ગૌતમભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ તથા જીપી.એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.