આજથી પાંચ વર્ષ પહેલા આજની તારીખે એટલેકે ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ભારતના ૪૦ જવાનો શહીદ થયા હતા. જો કે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તે પહેલા ક્યારેય થયું ન હતું. આપણા બહાદુર જવાનોએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આ હુમલાનો જવાબ આપી પુલવામા હુમલાનો બદલો લીધો હતો.તેમજ પુલવામા એટેકના શહીદ થયેલા જવાનોને મોરબી મીરર ટીમ દ્વારા શ્રધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯નો ૧૪ ફેબ્રુઆરીએ CRPFનો કાફલો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી જઈ રહ્યો હતો. જ્યારે આ કાફલો પુલવામા પહોંચ્યો ત્યારે બીજી બાજુથી એક કાર આવી અને કાફલાની બસને ટક્કર મારી હતી. બસને ટક્કર મારનાર કારમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો. આવી સ્થિતિમાં કાર બસ સાથે અથડાતા જ વિસ્ફોટ થયો હતો અને તેમાં CRPFના ૪૦ જવાન શહીદ થયા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું હતું. અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે અનેક કડક પગલાં લીધા હતા. આ પગલાંથી પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. તેમજ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. અને ૨૭ ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે તેના જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-૨૧ પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-૨૧ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધો હતો. ૧ માર્ચ, ૨૦૧૯ ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદર વર્ધમાનને મુક્ત કર્યો હતો. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના તમામ વેપાર સંબંધો તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, પાકિસ્તાન તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ ભારત તરફથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જેના કારણે પાકિસ્તાનને આર્થિક મોરચે ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. ભારત સરકારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ઓન મની લોન્ડરિંગ (FATF)ને પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકવાની પણ માંગ કરી હતી. આ રીતે ભારત સરકારે વેપારી સબંધો તોડીને અને દેશના જવાનોએ હવાઈ હુમલા દ્વારા પાકિસ્તાનની અંદર ઘૂસીને તેના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી બદલો લીધો હતો.