ટંકારામાં સલામત સવારી અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. અઠવાડિયામાં બીજી વખત એસટી બસને અકસ્માત નડતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, ટંકારા એસટી બસ સ્ટેન્ડની બહાર નીકળતા જ બસનું વ્હીલ ફૂટપાથ સાથે અથડાતા ટાયર ફાટી ગયું હતું. ત્યારબાદ બસ બાજુની ગ્રીલ સાથે અથડાઈ ઢસડાઈ ગઈ હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બસમાં સવાર મુસાફરોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. ત્યારે અકસ્માતને પગલે ટંકારા બસ સ્ટેન્ડ નજીક થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, કોઈ ઈજા ન થતાં મુસાફરો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ અઠવાડિયામાં બીજી વખત બનેલી આ ઘટના બાદ “સલામત સવારી”ના દાવા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.









